हिन्दी संस्करण: https://ekakinchan.blogspot.com/2019/12/blog-post_27.html
---------------------------
1.
---------------------------
1.
ડિસેમ્બર લગભગ અડધા ઉપર જતો રહ્યો હતો પણ ઠંડી હજી જોઈએ એવી નહોતી જોકે તડકામાંથી ખસવાનું મન ન થાય તેવી ઠંડી તો હતી જ. હું રોજ સવારની જેમ ગંગા કિનારાથી થોડી ઊંચાઈ વાળી જગ્યાએ શિયાળુ પક્ષીઓ શોધતી ઉભી હતી.
ત્યાં નજીકમાં થોડો સળવળાટ થયો હોય તેમ લાગ્યું કેમેરાથી જોયું તો 12-15 ફૂટ દૂર એક નાના ઝાડ પર પાંચેક ફૂટની ઊંચાઈએ પાંદડાની પાછળથી સ્હેજ માથું ઊંચું કરીને એક નાનો કાચિંડો મારી તરફ જોતો હતો. મને થયું કે એ મારાથી બીને સંતાય છે એટલે હું બે પગલાં પાછા લેવા જતી હતી ત્યાં તો એ બહાર આવી તડકો તાપવા લાગ્યો એટલે વળી થયું મારી હાજરીથી એને કાંઈ ફેર પડતો નથી તો લાવ એકાદ ફોટો પાડી લેવા દે.
ફોટો તો મેં એનો પાડયો અને ઘણી નજીકથી પાડયો, પણ જે રીતે મારી હાજરી અને નજીક જવાને એણે લગભગ ઉમળકાભેર કહેવાય એવી રીતે સ્વીકાર્યું તેની મને ખાસ ગડ ન બેઠી. પહેલા તો ક્યારેય કોઈ કાંચિડો મારી ઉપર આટલો મેહરબાન નતો થયો.
થોડી વાર પછી મેં પાછા જવાની તૈયારી કરી ત્યાં મારું ધ્યાન એજ ઝાડ ઉપર બેઠેલા કાગડા તરફ ગયું અને કાચિંડાના અસ્વાભાવિક વર્તનનો તાળો મળ્યો. એ કાગડાથી બચવા ઢાલ રૂપે મારો ઉપયોગ કરી રહ્યો હતો. જતાં જતાં એને 'હવે હું જાઉં છું કાગડા નું ધ્યાન મેળે રાખજે' કહી નીકળી.
આવોજ એક પ્રસંગ થોડા દિવસ પહેલા પણ બન્યો હતો જોકે તે વખતે મારો ઢાલ તરીકે ઉપયોગ કરવાવાળી એક નાની ખિસકોલી હતી જેણે વૈયાના ટોળાએ મારાથી થોડા દૂર રહેવાનું પસંદ કર્યું હતું તેનો લાભ લઈ મારી નજીકના ફૂલથી પેટપૂજા કરી હતી.
હું અહીં એ મુદ્દા પર ભાર નથી દેવા માંગતી કે આપણી આસપાસનાં પશુ પક્ષી આપણો ઉપયોગ કેવી રીતે કરતાં હોય છે. એમતો મારાં અનેક પક્ષી મિત્રોએ મને ચણ નાખવું, પાણી ભરવું અને એની ચોકીદારી કરવી વગેરે કામ સોંપેલા જ છે પણ તેઓ મને લાંબા સમયથી ઓળખે છે અને અમારી ઓળખાણ ધીમે ધીમે વધી છે. પણ અહીતો મુદ્દો તદ્દન અજાણ્યા વળી માણસ હેવાયા પણ ન હોય તેવાં જીવ પણ સમયસૂચકતા વાપરી પરિસ્થિતિ પ્રમાણે પોતાના વર્તનમાં કેવો ફેરફાર કરી લેતા હોય તે છે.
સંપૂર્ણ પણે અજાણી અને અણધારી પરિસ્થિતિમાં પણ presence of mind જાળવી રાખવા લગતી એક વાત યાદ આવે છે. જે આવતી કડી માં..
------------------------------------------------
2.
અગિયારેક વાગ્યા હશે. કંઈક ગડબડ લાગી છતાં થોડી વાર તો ધ્યાન ન આપ્યું પણ પછી બહાર જઈ જોયું તો જમીન ઉપર શકરો બાજ એક મોટું પીળું ફળ પકડીને બેઠો હતો.. ના એ ભ્રમ હતો એટલી તો ખબર પડી પણ સાચું શું છે તે જોવા હું તેની નજીક ગઈ. બાજ મને આવતી જોઈ ઉડી ગયો અને એ પીળું ફળ તે હરીયાળ (લીલા પીળા રંગ નું કબૂતર પ્રજાતિ નું પક્ષી - yellow footed green pigeon) હતું. મારાં એકદમ પાસે જવા છતાં તે એમનું એમ જ બેઠું રહ્યું અને એને ઉપાડીને અંદર લઈ આવી તોપણ સ્હેજ પણ વિરોધ ન કર્યો. લગભગ આખી રાત ચાલેલા વરસાદને લીધે તે પાણીમાં બોળેલા સ્પંજ જેટલું ભીનું લાગતું હતું. બહુ વધારે ઈજા થઇ હોય તેવું તો ન લાગ્યું પણ તે ખૂબ જ ડરેલું હતું.
થોડી વાર એને એકલું મૂકી શાંત થવું દેવું યોગ્ય લાગ્યું એટલે એની સામે થોડું પાણી, થોડા મમરા મૂકી, ચરક સાફ કરી, ઘા ઉપર હળદર છાંટી શાંતિથી બેસવા દીધું. જોકે વચ્ચે વચ્ચે તેની સાથે દૂરથી જ વાતો કરવાનો થોડો પ્રયાસ કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો. મમરા દેવા નો આશય એને ખવડાવવા કરતાં મિત્રતા સંદેશ દેવાનો હતો પણ એણે ના તો મમરા કે ના તો મિત્રતા સંદેશ તરફ ધ્યાન દીધું. એ તો બસ ભીંત તરફ મોઢુ કરીને બને એટલું ભીંતસરસું થઈ આંખ બંધ કરીને સૂતું જ રહ્યું.
આમ ને આમ ત્રણેક કલાક જતા રહ્યા પછી થયુ લાવ જોવા દે એ ખાય શું? ગૂગલ કર્યું તો ખબર પડી કે એતો ફળ ખાય. સંતરાની ચીરી હવે એની સામે મૂકી. એણે આંખના ખુણામાંથી સંતરા તરફ જોયું અને તે સાથે જ એના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયા. આંખો માં આશ્ચર્ય અને આનંદ સાથે એણે સંતરાની ચીર તરફ જોયું,પછી મારી તરફ, ફરી સંતરા તરફ.. એની ત્રણ કલાકથી ભયથી મીંચેલી આંખ હવે પુરી ખુલ્લી અને જીવંતતાથી ભરેલી હતી અને ડોક જે અત્યાર સુધી ખભાની અંદર ખોસેલી હતી તે હવે ટટ્ટાર હતી. બીજી 60 સેકન્ડ પછી એ ભીંત તરફ નહિ પણ મારી તરફ મોઢું કરીને બેઠું હતું. હજી પણ ખાવા કે પાણી તરફ તેણે કોઈ રુચિ દર્શાવી નહિ.
થોડીક વાર પછી એણે ઉડવાનો પ્રયત્ન કર્યો. પણ, વિચિત્ર નાનકડી બંધ જગ્યા જેને આપણે માણસો ઘર કહીયે છીએ તેમાં એ ચકરાવે ચડી ગયું અને જ્યાં ત્યાં ભટકાઈ ને અંતે ચારેક ફુટ જેટલી ઊંચાઈએ એક પાઇપ ઉપર બેસી ગયું. આ નિષ્ફળ પ્રયત્નથી એ થોડું હતાશ થઇ ગયું પણ તે મારાંમાં ઉત્સાહનો સંચાર કરનારો પુરવાર થયો. એની માત્ર આંખ, પગ અને સ્વાસ્થ્ય સારું હતું એટલુંજ નહિ પણ એની પાંખો પણ ઈજાગ્રસ્ત હોય તેમ ન લાગ્યું. જોકે એ ઘણું ડરી ગયું અને વળી પાછું ભીંત તરફ મોઢું કરી, આંખ મીંચી બેસી ગયું. મને વિશ્વાસ હતો કે એક વાર મેં એનો જે વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે એ ફરીથી પણ કરી શકાશે એટલે મેં એને ફરીથી સંતરું આપી જોયું, તેણે જરાય પ્રતિસાદ ન આપ્યો, જામફળ, એજ ઠંડો પ્રતિસાદ, કેળું, ના.
ઉત્સાહ જોકે ખુબ ઉપયોગી વસ્તુ છે. આ વખતે હું સ્હેજ પણ મુંઝાઈ નહિ કે હવે આની બીક દૂર કરવા શું કરવું. મેં એની નજીકની એક બારી ખોલી (બારીમાં મચ્છરજાળી લાગેલી હતી એટલે એને કોઈ બહારનો ભય ઉભો થવાનો પ્રશ્ન નહોતો). બારીની બહાર મારાં babbler (વન લલેડાં) મિત્રોને રોટલીના ઝીણા ઝીણા કટકા આપી બોલાવ્યા. બોલાવતાની સાથેજ 7-8 નું આખું ટોળું ખુબ જોર જોરથી કલબલાટ કરતું એની ઉપર તૂટી પડ્યું અને મારાં હરીયાળ પાસે એમના આનંદને અવગણવાનો વિકલ્પ જ નહોતો. એણે ફરી એક વાર ભીંત તરફ પીઠ કરી અને મને ખબર હતી કે હવે એ ક્યારેય પાછું ભીંત બાજુ મોઢું નહિ કરે.
ત્યાર પછી નીચેનાની અંતહીન પુનરાવૃત્તિ ચાલુ થાય છે.
હું તેની પાસે એક પછી એક બધા ફળ અને પાણી લઇ જઈ એની ચાંચ આગળ ધરું છું, એ જરા પણ રસ દેખાડતું નથી, હું તોય એને ફળો ધર્યા જ કરું છું, એ એનું માથું 15 ડિગ્રી ડાબે, 15 ડિગ્રી જમણે એમ ધીમે થી વધુ ગતિથી ફેરવે છે વળી પોતાની ચાંચ પણ ઉઘાડ બંધ કરી જાણે મને જતા રહેવા કહે છે. હું તોય નથી જતી તો છેવટે એ ડોક વાળી, માથું પીઠમાં ખોસી સુઈ જાય છે. હું અંતે હાર માનું છું. 1-2 કલાક સુધી. જ્યાર પછી આ આખી પ્રક્રિયાની પુનરાવૃત્તિ થાય છે.
બીજા દિવસ ની સવાર. હજી સુધી એણે કાંઈ ખાધું તો નથી જ પણ પાણીનું પણ એકેય ટીપું નથી લીધું. હું એને આગળના રૂમમાં લઇ જવાનું નક્કી કરું છું. પણ એ મને પોતાને પકડવા દેવાની અનિચ્છા જતાવે છે. હું એના પગ આગળ આંગળી લઈ જઈ એને મારી આંગળી પર બેસવા કહું છું જે એને બરાબર લાગે છે અને આંગળી ઉપર આવી જાય છે.
માણસના હાથની સવારી કરતું એ જયારે ઘરમાંથી પસાર થાય છે ત્યારે શું વિચારતું હશે? કે જામીનસાથે બંધાયેલા થોડા વિચિત્ર અને સમજાય નહિ એવા આ પ્રાણીઓ મૂર્ખ છે પણ કદાચ એમની (કુ)ખ્યાતિ જેટલા ખરાબ નથી.. ખૈર, અમે આગલા રૂમમાં પહોંચીએ છીએ. મારી ઈચ્છા એને બારી પાસેના ટેબલ પર બેસાડવાની છે પણ હવે ભાઈસાહેબને હાથ પરથી ઉતારવું નથી. હું જેમ જેમ એને ઉતારવાના પ્રયત્નો કરું છું એમ એમ એ પાછું ખસતું જાય છે અને તેના શરીરને મારા હાથ સાથે બળપૂર્વક દબાવી ઉતરવું નથી એમ જીદ કરે છે. જેમ તેમ કરીને હું એને ટેબલ પાર બેસાડું છું અને ફરી babblers ને બોલવું છું. આ વખતે એ લોકો આગલા બારણામાંથી અંદર આવે છે, ધમાલ મચાવે છે, હરીયાળ ની સામે પડેલા ફળ પણ પોતાના માનવા કે નહિ એનો થોડો વિચાર કરે છે પણ પછી એમ કર્યા વગર પાછા જતા રહે છે. આગળનું બારણું ખુલ્લું જ છે, હરીયાળ ને જવું હોય તો. પણ એને બહાર જવામાં રસ નથી.
એને આવીને લગભગ 22 કલાક થયા પણ હજી સુધી એણે કાંઈ ખાધું પીધું નથી. મને જોકે એના ન ખાવા અંગે ખાસ ચિંતા નથી, જો એ પોતાની શક્તિ ખોરાક પચાવવામાં વાપરવાને બદલે ઝડપથી પૂર્ણ સ્વસ્થતા મેળવવા માટે વાપરવા માગતું હોય તો એમ ભલે. પણ સાવ એકેય ટીપું પાણી પણ નહિ? એનાથી હવે મને થોડી ચિંતા થવા મંડી હતી (જોકે પાછલા 22 કલાકમાં એ વધુ ને વધુ સ્વસ્થ લાગતું હતું છતાં પણ..). છેલ્લા પ્રયાસ તરીકે હું બહાર જઈ એમના મનપસંદ બે અલગ અલગ ઝાડના સરસ પાકેલા ટેટા લઈ આવી. નજીકમાં જ હતા ઝાડ. એણે એ ટેટામાં પણ કોઈ રસ ન લીધો. બસ, બેઠા બેઠા શાંતિથી બારીની બાર જોયે રાખ્યું.
લગભગ જે સમયે કાલે બાજે એને પકડયું હતું તે સમયે અચાનક એ રાઘવાયું થાય છે. એને બહાર જાવું છે - હમણાં ને હમણાં. બારીમાંથી બહાર જવાનો પ્રયત્ન કરે છે પણ ત્યાં મચ્છરજાળી છે. બારણું બંધ છે. આડું અવળું ઉડી ભીંત, છત સાથે અથડાય છે અને છેવટે પડદાના રૉડ પર જઈ બેસે છે. હું તરત જ આવી બારણું ખોલું છું પણ એ એની મેળે બહાર જતું નથી. હું એને ઊંચો કરી મારો હાથ ધરું છું અને એ હાથ પર આવતું રહે છે.
હું હાથ નીચો લાવું છું, એ હવે ખુલ્લા બારણાની સામે છે પણ ઉડી જતું નથી. બે ડગલાં બહારની તરફ અને અમે ખુલ્લા આકાશ નીચે ઉભા છીએ. હું એને કહું છું કે એને પોતાની દુનિયામાં હેમખેમ પાછું જતા જોઈ મને ખુબ આનંદ થશે પણ હમણાં જવું કે નહિ એ નિર્ણય એણે લેવાનો છે. અત્યારે જ જવું એવું ફરજીયાત નથી. જો હજી એને પૂરો વિશ્વાસ ન હોય તો એ જેટલું રોકાવું હોય તેટલું રોકાઈ શકે છે. એ મારી વાત સાંભળે છે, પછી ઉપર જોવે છે, આસપાસના દરેક ઝાડનું શાંતચિત્તે નિરીક્ષણ કરે છે, પછી મારી સામે એક લાંબી, સહેજ પણ ઉતાવળ વગરની પળ સુધી જોવે છે અને.. એના પંજાએ હવે મારા હાથને નથી પકડયા. એનો ભાર હવે એની પાંખો પાર છે. જે લીમડાના ઝાડ પરથી કાલે એ પડ્યું હતું એ જ ઝાડ પર જઈને બેસે છે.
આ ક્ષણથી આગળ વાર્તા કહેવી સહેલી નથી. એને પોતાની દુનિયામાં હેમખેમ પાછું જતા જોવાનો આનંદ અને જેમાં તમારું ચિત્ત પૂર્ણપણે જેમાં રોકાયેલું હતું એ પોતાની દુનિયામાં પાછું જતું રહ્યું છે એ વાતનું અચાનક જ્ઞાન થતા ઉઠેલી તીવ્ર લાગણી એ બંનેને એક સાથે વર્ણવવી જાણે અશક્ય છે.
થોડા પ્રયત્ન પછી પાનખરના લીલા પીળા પાંદડામાં એકરૂપ થઇ ગયેલા એને હું શોધી શકું છું. હવે યાદ આવે છે - ફોટો તો એકે લીધો નથી. ઝડપથી અંદર જઈ કેમેરા લાવું છું અને ફોટો પાડું છું.
ફોટામાં એક વસ્તુ પર ધ્યાન જાય છે જે અત્યાર સુધી નહોતી જોઈ. એના પંજા ના નખ. અને તે સાથે જ મારુ ધ્યાન એક બીજી વસ્તુ પણ ગયું - મારા હાથ ઉપર ત્રણ ત્રણ ઇંચ લાંબા અને ઊંડા ઉઝરડા હતા જે ખુબ લાલચોળ થઇ સોજી ગયા હતા. મારા હાથ પરથી ન ઉતરવા માટે એણે લીધેલા જીદભર્યા ડગલાંને લીધે પડયા હશે.
થોડા પ્રયત્ન પછી પાનખરના લીલા પીળા પાંદડામાં એકરૂપ થઇ ગયેલા એને હું શોધી શકું છું. હવે યાદ આવે છે - ફોટો તો એકે લીધો નથી. ઝડપથી અંદર જઈ કેમેરા લાવું છું અને ફોટો પાડું છું.
ફોટામાં એક વસ્તુ પર ધ્યાન જાય છે જે અત્યાર સુધી નહોતી જોઈ. એના પંજા ના નખ. અને તે સાથે જ મારુ ધ્યાન એક બીજી વસ્તુ પણ ગયું - મારા હાથ ઉપર ત્રણ ત્રણ ઇંચ લાંબા અને ઊંડા ઉઝરડા હતા જે ખુબ લાલચોળ થઇ સોજી ગયા હતા. મારા હાથ પરથી ન ઉતરવા માટે એણે લીધેલા જીદભર્યા ડગલાંને લીધે પડયા હશે.
એ ત્યાં ઝાડ ઉપર એકલું બેઠું હતું અને હું એકલી નીચે ઉભી હતી. 5-10 મિનિટ પછી એ ઉડ્યું. એ ઊંચાઈ પકડે છે, મારા માથા ઉપરથી પસાર થાય છે, હું ખુબ નર્વસ થઈને જોઉં છું એ બરાબર ઉડે છે? અને આ શું?એ થોડી દૂરના ગુલમહોરના ઝાડ પર નથી રોકાતું, વધુ ઉંચે ઉડી 70-80 ફૂટ દૂરના એક પાંદડા વગરના ઊંચા ઝાડ પર બેસે છે. એકદમ તો મને મારી આંખો પર વિશ્વાસ ન થયો. એ જે ઝાડ પર જઈને બેઠું હતું તેની ઉપર એની જાતિના પક્ષીનું મોટું ટોળું પહેલાથી જ બેઠું હતું. એ હવે નબળું પણ નહોતું અને એકલું પણ નહોતું.
દૂરથી એ ઝાડ પર બેઠેલું મારું હરીયાળ એક નાનાં ટપકાથી વિશેષ નહોતું જણાતું પણ છતાં, હું એક છેલ્લી વાર કેમેરો એની તરફ કરું છું. એક એવો ફોટો પણ મારે માટે અમૂલ્ય બની રહેત જેમાં કયું ટપકું એ છે એ મને ખબર હોય પણ જયારે હું ફોટો લઉં છું ત્યારે એ આવો આવે છે. બધા પક્ષી મારી તરફ પીઠ અને સામેની તરફ મોઢું એમ બેઠા છે પણ મારું હરીયાળ ડોક ફેરવી મારી તરફ જોઈ રહ્યું છે.
રૂંધાતે અવાજે મેં એને કહેવાનો પ્રયત્ન કર્યો 'મારી ચિંતા કરતું નહિ. આનંદથી જાજે.'
No comments:
Post a Comment